લંડનમાં યુગાન્ડાના 62માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

લંડનમાં યુગાન્ડા હાઈ કમિશને 9 ઓક્ટોબર 2024ના રોજ ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન ખાતે 62મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં યુકે સરકારના ટોચના અધિકારીઓ, યુગાન્ડાના ડાયસ્પોરાના સભ્યો, યુગાન્ડાના મિત્રો અને રાજદ્વારી સભ્યો સહિત 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

આ ઉજવણીમાં પ્રેસિડન્ટ યોવેરી મુસેવેનીના નેતૃત્વ હેઠળ યુગાન્ડાની સામાજિક-આર્થિક પરિવર્તનની ચાલી રહેલી સફર અને મોટી સિદ્ધિઓનું વર્ણન કરાયું હતું. આ કાર્યક્રમમાં યુકેમાં યુગાન્ડાના હાઈ કમિશનર અને આયર્લેન્ડના રાજદૂત નિમિષા જે માધવાણીએ ઉપસ્થિત રહેલા લોકોનો આભાર માન્યો હતો અને 1962માં આઝાદી મળ્યા બાદ યુગાન્ડાની પ્રગતિ અંગે માહિતી આપી હતી. તેમણે નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ આપી હતી. આગામી દિપાવલીના તહેવારોનો પણ શુભેચ્છા સંદેશ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં કોમનવેલ્થ સેક્રેટરી-જનરલ પેટ્રિશિયા સ્કોટલેન્ડ કેસીની વિશેષ હાજરી હતી, જેમણે આ ઉજવણીમાં હાઈ કમિશનર માધવાણી સાથે જોડાવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “હું યુગાન્ડાના તમામ લોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું. આપણે એકતા, શાંતિ અને સમૃદ્ધિ તરફની આપણી સહિયારી યાત્રા ચાલુ રાખીએ છીએ.”

આ કાર્યક્રમમાં માર્શલ ઓફ ડિપ્લોમેટિક કોર્પ્સના એમ્બેસેડર એલિસ્ટર હેરિસન અને ડીન ઓફ ડિપ્લોમેટ્સના રાજદૂત ઇવાન રોમેરો ઉપસ્થિત રહ્યાં હતાં. અન્ય મહાનુભાવોમાં જાફર કપાસી OBE, લોર્ડ ડૉલર પોપટના પ્રતિનિધિ ઓલિવર સ્કિડ, યુગાન્ડા, DRC અને રવાન્ડાના યુકેના વેપાર દૂત, સિટીબેંકના CEO અને ટીમ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના અધિકારીઓનો સમાવેશ થાય છે.

વાઇબ્રન્ટ યુગાન્ડાના ડાયસ્પોરા, જેમાં વિવિધ વંશીય જૂથો, યુવાનો અને પ્રભાવકોનો સમાવેશ થાય છે, તેમણે પણ ઉજવણીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

તેમના વક્તવ્યમાં હાઈ કમિશનર માધવાણીએ યુગાન્ડાએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્યસંભાળ અને કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં કરેલી નોંધપાત્ર પ્રગતિઓને પ્રકાશિત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ક્વાર્ટરમાં 6.7 ટકા જીડીપી વૃદ્ધિ અને 6 ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે યુગાન્ડાને આફ્રિકામાં શ્રેષ્ઠ રોકાણ સ્થળ તરીકે ઓળખવામાં આવ્યું છે. રાષ્ટ્રનું ધ્યેય 2040 સુધીમાં $5 બિલિયનનું અર્થતંત્ર હાંસલ કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *