ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નોએલ ટાટાની નિયુક્તિ

રતન ટાટાની જગ્યાએ તેમના સાવકા ભાઇ નોએલ ટાટાને શુક્રવારે ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા હતાં. રતન ટાટાનું બુધવારે 86 વર્ષની વયે અવસાન થયું હતું. 67 વર્ષીય નોએલ સર દોરાબજી ટાટા ટ્રસ્ટના 11મા અધ્યક્ષ અને સર રતન ટાટા ટ્રસ્ટના છઠ્ઠા અધ્યક્ષ હશે.

નોએલની નિમણૂક ટાટા ગ્રુપ માટે મહત્ત્વની છે, કારણ કે ટાટા ટ્રસ્ટ્સ ટાટા સન્સમાં 66% હિસ્સો ધરાવે છે, જે ટાટા બ્રાન્ડ હેઠળની અસંખ્ય કંપનીઓની હોલ્ડિંગ કંપની છે. ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નોએલ એન ટાટા ચાર દાયકાથી ટાટા ગ્રુપ સાથે છે. તેઓ નવલ એચ ટાટા અને સિમોન એન ટાટાના પુત્ર છે.તેઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના બોર્ડમાં ટ્રસ્ટી છે.

નોએલ હાલમાં ગ્રુપમાં ટ્રેન્ટ, વોલ્ટાસ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના સહિત અનેક કંપનીઓમાં મુખ્ય હોદ્દા ધરાવે છે. તેઓ ટાટા સ્ટીલ અને ટાઇટન કંપની લિમિટેડના વાઇસ ચેરમેન તરીકે સેવા આપે છે.

આની સાથે રતન ટાટાના મૃત્યુ બાદ ટાટા ટ્રસ્ટની કમાન કોના હાથમાં રહેશે તે સસ્પેન્સનો અંત આવ્યો છે. નોએલ ટાટા સર્વસંમતિથી ચેરમેન તરીકે ચૂંટાયા છે. મુંબઈમાં ટાટા ટ્રસ્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેઓ 100 દેશોમાં ફેલાયેલા ટાટા ગ્રુપના વિશાળ બિઝનેસ સામ્રાજ્યનું નેતૃત્વ કરશે, જેની કિંમત $403 બિલિયન એટલે કે 39 લાખ કરોડ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *